ચાલ ભેરું, તને આજ ગામડું દેખાડું… ગઈ કાલે ૧ દિવસ માટે હું મારા ગામડે ગ્યો'તો. જ્યાં હું મારા બા અને દાદા સાથે જ મોટો થયેલો. જયારે મમ્મી-પપ્પા આવતા ત્યારે ખુમારી થી કે'તો કે વયાંજાવ.. વયાંજાવ આયા તમારું કામ નથી… પપ્પા, મમ્મી અને ભાઈ શહેરમાં રહેતાં. કદાચ એટલી સારી પરિસ્થિતિ જ નહોતી કે ૪ લોકો શહેરમાં રહી શકે, કદાચ એવડી મોટી રૂમ પણ ભાડે રાખી શકાય એમ નહોતી. ઘણા વરસો હું ગામડે રહ્યો એટલે મારો ગામડા પ્રત્યે નો પ્રેમ બીજાની સાપેક્ષે થોડોક વધારે છે અને હજી સુધી હું ગામડા તરફ થોડોક વધારે ખેંચાયેલો રહયો છું. પણ પછી ભણવા લાયક થયો એટલે ઉપાડી લીધો મને ગામડામાંથી… અને છૂટી ગયો એક નાનો ‘હું’ ત્યાં જ ગામડાની કોખમાં. માટીથી મથવા, મારા ઘરના ફળિયામાંથી આકાશનાં તારોડિયાં જોવા, બા પાસે રોજ નવી વાર્તા સંભાળવા, નદી એ ન્હાવા, નદીનાં તટમાંથી લિસ્સાં પથરાઓ વીણવા, ખેતરે જઈને કૂવામાં ઘૂઘવતાં પારેવડાં જોવા, માથાં પર બેડાં મૂકીને ચાલતી પનિહારીઓ, વડલે ચડીને કોઈ પંખીના માળામાં કિલકીલાટ કરતાં બચ્ચાં જોવાં, બગલમાં લાકડી ભરાવીને ઉભેલાં ગોવાળ ને કાળી ભેંસો સાથે ઊડતાં ધોળા બગલાં જોવા.. હવે આ બધું જ્યારે જોવા મળે ત્યારે પેલાંનો 'હું' બાર આવી જાય છે..! જ્યારે જ્યારે ગામડે જાઉં ત્યારે દૂ…ર શેરી માંથી હડી કાઢતો એક નાનો ૫-૬ વરસ નો ભૌતિક મને દેખાય છે, મને મળવા આવે છે, મારી સામે જોઈ ને ખુબ હસે છે… મને એની સાથે રમવા ખેંચી જાય છે. ‘’એયય.. હાલ ને રાખ માંથી સિમેન્ટ બનાવીએ ને પથરા ભેગાં કરી એમાંથી ગલૂડિયાંઓનું ઘર બનાવીએ" ગામનું પાદર, શેરી, ઢોરનાં પોદરા, ગમાણ, ચૂલો, ફળિયું, પાઘડી ને ચોયણી વાળા ભાભાં, ડેમ, ખેતર, બળદગાડું, ઘોડિયું, નળિયાવાળું ઘર, નાળિયેરી, પાળીયારું, કૂવો, આમલીના કાતરા, લીંબુડી, મીઠી બુંદી, દૂધ દઈને પાછાં આવતાં ખાલી કીટલાનો અવાજ, મંદિરની સંધ્યા આરતીમાં વાગતાં ઝાલર, ગાયનાં આંચળમાંથી નીકળતું દૂધ બોઘરાંમાં પડે ત્યાંરે નીકળતો અવાજ, મારો કિલકીલાટ.. આ બધું જ હું આ શહેર માં રહીને યાદ કરું છું અને જ્યારે મોકો મળે ત્યારે ગામડે જઈને થોડું જીવી લઉં છું. કદાચ હું ગામડા માંથી છુટો પડી ગયો છુ પણ ગામડું મારી અંદર થી છુટું પડ્યું નથી. એક અલગ જ દુનિયા સમાયેલી છે ગામડામાં. ત્યાં આપણાપણું ઠેરઠેર સમાયેલું છે. કદાચ કોઈ ની ડેલી માં પગ મૂકીને ક્યો કે ફલાણા ભાઈ નો દીકરો છું.. તો કોઈ ચા-પાણી પીધાં વગર નો જવા દ્યે.. અને એક વાર પૂછી લ્યે જ કે આવ્યા જ છો તો રોકાય જાવ ને ૨-૫ દિવસ. જ્યાં સુધી આ માનસિકતા છે ને કે "ગામડું એ તો ગામડું છે, ગામડાં અને શહેરમાં બહુ ફેર છે." ત્યાં સુધી જ ગામડું ધબકતું જ રહેશે. બધું શહેર જેવું કરી દેશું તો એ ગામડું ક્યાંક રૂંધાય જશે. એ સંસ્કૃતિ, એ વારસો શહેરની સુખ-સુવિધા નીચે દટાઈ જશે. મારે નથી જોઈતું એ ગામડું કે જ્યાં બધું સુખ રૂપ છે.. મારે તો એ ગામડું જોઈએ જ્યાં થોડુંક અધૂરું છે, જ્યાં આપણા હોવાની મીઠાશ વધુ છે ને જ્યાં આગળ નીકળી જવાની હડી કાઢવા કરતા જે છે એની સાથે ચાલવાની મજા છે. હું ઘણી વાર કહું છું કે મારે ગામડે રેહવું છે અને વારંવાર કહું છું કે "ગામડું એ ગામડું.. તમારા શહેરના ઊંચા મકાનો મારા નળિયાવાળા ઘરની સુગંધ નય લાવી શકે." “શા માટે માત્ર તહેવાર ઉજવવા જ ગામડે જઇએ છીએ.. જિંદગી ઉજવવા કેમ નથી જતા આપણે?” ડેમનાં પારા પરથી ઓઝતનાં પાણીમાં ધુબાકા મારતાં છોકરાંને જોતાં ધ્રુવ ગીત ની પંક્તિ યાદ આવે છે… “નાગડા ના’તા છોકરાને જોય તો થાય આખા ગામને એની જેમ ના’વાનું મન” “આઝાદ"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો